Saturday, May 1, 2010

મહ્યાહને સૂર્યાસ્ત........................


તબીબ હોવાને કારણે, કદાચ કઠોર હ્ર્દય અને સમ્વેદનાશીલ્તાનો અભાવ, એ સાહજિક ગુણધર્મો અને વ્યક્તીત્વ નાં બિનજરૂરી -જરૂરી પાસાં માનવા પડે. આમેય એવી સાધારણતઃ માન્યતા પ્રવર્તતી હોય છે.

હૃદય ઉપર થતા પ્રહારો અને એને કારણે થતા ઘા ની તીવ્રતાની માત્રા નો ક્યારક તો ખ્યાલ પણ નથી આવતો. એનું કારણ એ પણ હોઈ શકે કે કદાચ ઘા ની અસર જ ન થતી હોય.રોજના ધોરણે થતા અસંખ્ય અને અગણિત ઘા અને ઘસરકાઓ જુના કે નવા વચ્ચે નો ભેદ જાણ્યા વગર લુપ્ત થઇ જાતા હોય એવું લાગે છે. હૃદય ને ચીરીને આરપાર સોંસરવા નીકળી જાય તેવા અણધાર્યા ને આકસ્મિક બનાવો તો જવલ્લે જ બને છે. પરંતુ સ્વજન નું મૃત્યુ, તે પણ આકસ્મિક અને યુવાનીના ભર મધ્યાહને તબીબ ને તેના હૃદયની લાચારી, મજબૂરી કે પછી વાસ્તવિકતાનો પરિચય કરાવી દે છે.

જો કઠોર અને નિષ્ઠુરતા નું પ્રતિક એવા તબીબ ને જો હચમચાવી દે તો એક ફૂલ જેવા બાળક ના કુમળા હૃદય ની શી વિસાત? એ હૃદયની 'આકાંક્ષા', મનસુબા, સ્વપ્ન, નો તાગ કાઢવા, તેના સારથી ની ગેરહાજરીમાં કલ્પનાઓ ના ઘોડાઓ દોડાવી,કોણ સક્ષમ બનશે?

પરિપક્વતા અને પ્રતિકુળ સંજોગો ને સાનુકુળ પરિસ્થિતિ માં બદલવાની ક્ષમતા ધરાવવી, એને સૌ એક ખૂબ મોટી ખૂબી કે ગુણ માને છે. બાળક ની સહજતા અને સરળતા, "જે જુએ તે માને અને ન જુએ તે ન માને", જેને વડીલો જીદ કે હઠ કહે છે, તેના હૃદય સાથે છેતરપીંડી કરવા દેતાં નથી. એના મૌન ને અજ્ઞાનતા કે અપરિપક્વતા કે નાદાનિયત માની ને વડીલો પોતાની જાતને છેતરી લેતા હોય છે.કદાચ એ મૌન ને અણસમજ ગણી વાત ને ટાળવા કે બદલવા નો પ્રયત્ન ચાલુજ રાખે છે. બાળક બોલે નહીં એટલે તેને સમજણ નથી? કદાચ એનું મૌન તો વડીલો ને દુઃખ કે ઠેસ ન પહોંચે તે માટે જ હશે ને? સમજણ તો આપણા માં નથી. બાળકની મનોવ્યથા, એની મૂંઝવણ નો હલ કોની પાસે હોય? એના સરળ, સહજ સવાલોના, આપણા વધારે ગૂઢ જવાબો, બાળક ને કેટલા મૂંઝવતા હશે?

'આકાંક્ષા' ની આકાંક્ષાઓ અને એના સાદગીભર્યા રોજિંદા સહવાસ ની મનોકામનાઓ કોણ પૂરી કરશે? એના પિતા તો ભગવાન ને ઘેર પહોંચી ગયા. આકાંક્ષાના શબ્દોમાં એ તો તારો થઈને આકાશમાં પુરાઈ ગયા.

મધ્યરાત્રીએ, એક જ ટકટકી ભરી નજરે જો આકાંક્ષાને, અસંખ્ય તારાઓ માંના કોઈ એક જ 'જ્વલંત' તારા ને નિહાળતી જુઓ, ત્યારે એના અને જ્વલંત ના સાનિધ્યનો અર્થ તારવવાનો પ્રયત્ન ન કરીએ, કે પછી આપણા છીછરા જ્ઞાન નું પ્રદર્શન કરતા સવાલો થી તેને ખલેલ પહોંચાડવા થી વેગળા રહીએ, તો એ કદાચ આપણી પરિપક્વતા ની સાબિતીનો પુરાવો સાબિત થશે!